Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

IPLની બાકીની મેચ હોસ્ટ કરવા 4 દેશોએ આપી BCCIને ઓફર, જાણો કોણ છે ફેવરીટ..

GNA NEWS – BUREAUE REPORT

ઈંગ્લેન્ડ, યુએઈ(UAE )પછી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવા વધુ બે દેશોએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની સામે આઈપીએલ 2021(IPL 2021)ની બાકીની મેચનું આયોજન કરવાની ઓફર કરી છે. કોરોનાને કારણે 29 મેચ બાદ આઈપીએલની 14મી સીઝન સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે બીસીસીઆઈ બાકીની 31 મેચ માટે 20 દિવસની વિંડો શોધી રહી છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકા અને યુએઈ પણ આઈપીએલનું આયોજન કરી ચૂક્યું છે. અગાઉની સીઝન યુએઈમાં થઈ હતી અને ઇનસાઇડ સ્પોર્ટના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આ માટે તેમને 98.5 કરોડ આપ્યા હતા.

ચુસ્ત શિડ્યૂલ અને કોરોનાને કારણે આ વિંડો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થવાની સંભાવના છે. ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, બીસીસીઆઈ ફરીથી અહીં કરાવવાનું જોખમ લેવા માંગતુ નથી. જેમ કે, ગઈ સિઝનની જેમ આ વખતે પણ યુએઈમાં આઈપીએલ કરાવવાની ચર્ચા થઈ હતી. પરંતુ ભારતે ઇંગ્લેન્ડમાં 14 સપ્ટેમ્બર સુધી ટેસ્ટ રમવાની છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની 4 કાઉન્ટી ક્લબ, મિડલસેક્સ, સરે, વોરવિકશાયર અને લંકાશાયરે પણ આઈપીએલ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા બોર્ડે ટૂર્નામેન્ટના ફેઝ-2 હોસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઘણા વધુ દેશો તરફથી હોસ્ટ કરવાની ઓફર આવી શકે છે.

BCCI ની પાસે 4 વિકલ્પ

વિકલ્પ 1: UAE

UAE બીસીસીઆઈનો પ્રથમ વિકલ્પ હોઈ શકે છે. અગાઉની સીઝન પણ આ દેશ દ્વારા સફળતાપૂર્વક હોસ્ટ કરવામાં આવી હતી. એવામાં આ સીઝનમાં પણ તે જ દિશા નિર્દશ અને રોડમેપની સાથે બીસીસીઆઈ સરળતાથી અહીં મેચ કરાવી શકે છે. બની શકે કે કોરોનાને કારણે ટી​​20 વર્લ્ડ કપ ભારતને બદલે યુએઈમાં જ યોજાય. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ખેલાડીઓ અહીંની બાકીની મેચ રમી શકે છે. જો કે ત્યાં એક સમસ્યા પણ છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આઇપીએલ અને વર્લ્ડ કપ એક સાથે યુએઇમાં યોજાશે, તો બીજી ટુર્નામેન્ટની મધ્યમાં પિચ ખૂબ ધીમી થઈ જશે.

વિકલ્પ 2: ઇંગ્લેંડ

ઇંગ્લેન્ડ બીસીસીઆઈની બીજી પસંદગી હોઇ શકે. બીસીસીઆઈ ઇંગ્લિશ સમરનો સંપૂર્ણ ઉપયોગ લીગને ખત્મ કરવા કરી શકે છે. ભારતીય ટીમ મેથી સપ્ટેમ્બરના મધ્યમાં ઇંગ્લેન્ડમાં રહેશે. આ કિસ્સામાં સપ્ટેમ્બરના અંતમાં મળેલા 20 દિવસીય સ્લોટનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. અન્ય ઘણા દેશોના ખેલાડીઓ પણ ત્યાં પહોંચી શકે છે. 4 ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ્સનો પ્રસ્તાવ મળવાથી બીસીસીઆઈની હિંમત પણ મળી છે.

વિકલ્પ 3: ઓસ્ટ્રેલિયા

બિગ બેશ લીગ જેવી મોટી ટી20 લીગનું આયોજન કરનાર ઓસ્ટ્રેલિયાએ પણ આઈપીએલનું આયોજન કરવાની દરખાસ્ત કરી છે. જો બીસીસીઆઈ કોઈ નિર્ણય લે અને ઓસ્ટ્રેલિયન સરકાર 4 મહિનામાં તેની નીતિમાં ફેરફાર કરે, તો ટૂર્નામેન્ટ ત્યાં પણ યોજાઈ શકે છે. જોકે, તેની તકો ઓછી છે, કેમ કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયા જવુ, ત્યારબાદ ફરી ભારત કે યુએઈ જઈને ટી-20 વર્લ્ડ કપમાં સામેલ થવું એ શક્ય લાગતું નથી. હાલમાં, ઓસ્ટ્રેલિયાએ ફ્લાઇટ્સ અને ભારતથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે.

વિકલ્પ 4: શ્રીલંકા

શ્રીલંકામાં જુલાઈથી ઓગસ્ટની વચ્ચે લંકા પ્રીમિયર લીગ યોજાનાર છે. જો તેઓ આ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે, તો તે નક્કી કરવામાં આવશે કે તેઓ સમાન ગ્રાઉન્ડ અને હોટલની મદદથી આઈપીએલ સફળતાપૂર્વક પૂરી કરી શકે છે.