Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર જિલ્‍લાનું ગૌરવ :મહીસાગર જિલ્‍લાના ત્રણ દિવ્‍યાંગ રમતવીરોની રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

GNA MAHISAGAR – SAGAR ZALA

  • આ રમતવીરો હવે નેશનલ કેમ્‍પમાં સ્‍કીલ ટેસ્‍ટમાં ભાગ લેવા જશે

જીએનએ લુણાવાડા : સ્‍પેશ્‍યલ ઓલિમ્‍પિકસ બૌધ્‍ધિક અક્ષમતા ધરાવતા લોકોને રમતના મેદાનામાં સશકત બનાવવાની સાથે તેમનામાં જોમ અને જુસ્‍સો પુરો પાડવાનું કાર્ય કરી રહી છે. આ વિશ્વવ્‍યાપી સ્‍પેશિયલ ઓલિમ્‍પિકસ સંસ્‍થા બૌધ્‍ધિક અક્ષમતા ધરાવતા રમતવીરોને મુકતમને અવરોધો દૂર કરે, હિંમત દર્શાવે, આનંદનો અનુભવ કરે અને વિશ્વ સાથે તેમની મુલાકાત, કૌશલ્‍ય અને મિત્રતા શેર કરવાની તકો પણ પૂરી પાડવાનું કામ કરે છે.

તાજેતરમાં સ્‍પેશિયલ ઓલિમ્‍પિકસ ભારત-ગુજરાત દ્વારા પીડીપીયુ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્‍કીલ ટેસ્‍ટ લેવામાં આવ્‍યા હતા. આ સ્‍કીલ ટેસ્‍ટમાં મહીસાગર જિલ્‍લામાંથી ત્રણ રમતવીરોની પસંદગી થતાં આ ત્રણ રમતવીરોએ મહીસાગર જિલ્‍લા સાથે રાજયનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય રમતવીરોએ તેમના ખેલ કૌશલ્‍યથી રાષ્‍ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા ઝળકાવવાની તક મળતાં ગૌરવપ્રદ સિધ્‍ધિ હાંસલ કરીને મહીસાગર જિલ્‍લાનું, તાલુકાનું અને ગામનું નામ રોશન કર્યું છે.

આ સ્‍પેશિયલ ઓલિમ્‍પિકસમાં મહીસાગર જિલ્‍લાના જે ત્રણ દિવ્‍યાંગ એથ્‍લેટની પસંદગી થવા પામી છે તેમા ખાનપુર તાલુકાના તળાવના મુવાડા ગામની કિસાન વિદ્યાલય, ખૂંટેલાવ ખાતે ધો.૧૨માં અભ્‍યાસ કરતી રાધા રામાભાઇ મછાર અને વિરપુર તાલુકાના મોકસીના મુવાડા ગામની હીનાબેન રમણભાઇ ઠાકોરની ફુટબોલ રમતમાં જયારે ખાનપુર તાલુકાના વિરણીયા ગામના નીલકંઠ વિદ્યામંદિર, ગાંગટા ખાતે ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતાં હિતેશ જયંતિભાઇ ખાંટની હેન્‍ડબોલ રમતમાં સ્‍પેશિયલ ઓલિમ્‍પિકસમાં રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી થવા પામી છે.

આ ત્રણેય રમતવીરોની રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી થતાં હેન્‍ડ બોલ રમત માટે હિતેશ ખાંટ તા. ૧૬ થી ૨૧ ડિસેમ્‍બર દરમિયાન આગ્રા ખાતે ખાતે હિના ઠાકરો અને રાધા મછાર ફુટબોલ રમતમાં તા.૪ થી ૯ જાન્‍યુઆરી, ૨૦૨૨ દરમિયાન નવી દિલ્‍હી ખાતે યોજાનાર નેશનલ કેમ્‍પમાં સ્‍કીલ ટેસ્‍ટમાં ભાગ લેવા જશે.
આ રમતવીરોના સિધ્‍ધિના માર્ગદર્શક સ્‍પેશ્‍યલ એજયુકેટર રમેશભાઇ સોલંકી બંને પગે ૮૦ ટકા દિવ્‍યાંગતા ધરાવે છે. તેઓએ પોતાના જીવનમાં પડતી મુશ્‍કેલીઓનો અનુભવ થકી દિવ્‍યાંગ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેના કારણે અગાઉ ખેલ મહાકુંભ સહિત વિવિધ રમતોમાં સારૂં પરિણામ પ્રાપ્‍ત થયું છે જેના ફળશ્રુતિ સ્‍વરૂપે આ રમતવીરોની આ વખતે સ્‍પેશ્‍યલ ઓલિમ્‍પિકસમાં જિલ્‍લા કક્ષાએથી રાજયકક્ષાએ અને રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી થતાં તેઓ ખૂબ જ ઉત્‍સાહિત છે.

આ ત્રણેય રમતવીરોની રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી થતાં આ બાળકોના પરિવારજનોએ બંને તાલુકાના સ્‍પેશ્‍યલ એજયુકેટર દ્વારા આપવામાં આવી રહેલ પ્રોત્‍સાહન અને સહયોગની સાથે શાળા પરિવાર, બ્‍લોક કો-ઓર્ડિનેટર, જિલ્‍લા કો-ઓર્ડીનેટર અને જિલ્‍લાના શિક્ષણ વિભાગ પ્રતિ આભાર સહ આનંદની લાગણી વ્‍યકત કરી હતી.