મહીસાગર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના સામે રક્ષણ પૂરૂં પાડતા કોરોના રસીકરણનો પ્રારંભ - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના સામે રક્ષણ પૂરૂં પાડતા કોરોના રસીકરણનો પ્રારંભ

GNA MAHISAGAR – SAGAR ZALA

  • લુણાવાડાની કિશાન હાઇસ્‍કુલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ખાસ ઉપસ્‍થિત રહી બાળકોનો ઉત્‍સાહ વધારી બાળકો સાથે સંવાદ કર્યો
  • જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૬૬૯૩૨ બાળકોને વેકસિન આપી સુરક્ષિત કરાશે


જીએનએ લુણાવાડા:: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો-વયોવૃધ્‍ધો સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી સમગ્ર રાજયમાં આજથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેકસિનેશન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો.

આ અભિયાન અંતર્ગત જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને વેકસિનેશનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્‍લાના ૬૬૯૩૨ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

લુણાવાડા શહેરની કિશાન હાઇસ્‍કૂલ ખાતે વેકસિનના પ્રારંભ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સ્વપ્નિલ શાહે શાળામાં બાળકોને આપવામાં આવી રહેલ રસીકરણ કેન્‍દ્રની મુલાકાત લઇ બાળકોનો ઉત્‍સાહ વધારી તેઓની સાથે સંવાદ કર્યો હતો.
આરોગ્ય અધિકારીશ્રીએ બાળકોએ રસી લીધા બાદ તેમના માટે તૈયાર કરવામાં આવેલ ઓર્બ્‍ઝરવેશન રૂમમાં મુલાકાત લઇ સંવાદ કરી રસી મૂકાવ્‍યા પછી કોઇ આડઅસર થઇ છે કે કેમ તે અંગેની પૃચ્‍છા કરતાં તમામ બાળકોએ કોઇ આડઅસર થઇ ન હોવાનું જણાવ્‍યું હતું. આ સમયે તમામ બાળકો પર રસી મૂકાવ્‍યાની એક ખુશી પણ જોવા મળી રહી હતી. બાળકોને રસી મૂકાવ્‍યા બાદ તેમના અનુભવો પોતાના મિત્રોને જણાવવા અને રસીથી કોઇ આડઅસર થતી ન હોઇ રસી મૂકાવી લેવાનો સંદેશો પોતાનું જો વોટસઅપ ગૃપ હોય તો તેના મારફતે પણ સંદેશો પહોંચાડવા સુચવ્‍યું હતું.

લુણાવાડાની એસ.કે.હાઇસ્કૂલ અને કિશાન હાઇસ્કૂલમાં અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે વધુમાં વધુ બાળકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાય જાય તે રીતનું આયોજન કરીને ટીમો કાર્યરત કરવામાં આવી છે જયાં બાળકોનું સ્‍થળ ઉપર જ રજિસ્‍ટ્રેશન કરીને રસી મૂકવામાં આવી રહી છે. આ બાળકોનું રજિસ્‍ટ્રેશન થઇ ગયા બાદ રસી મૂકવામાં આવે છે અને જે બાળકોએ રસી મૂકાવી દીધી હોય તેઓને ઓર્બ્ઝરવેશન રૂમમાં બેસાડીને તેઓની ઉપર દેખરેખ રાખવામાં આવી રહી હતી.
મહીસાગર જિલ્‍લામાં આજથી શરૂ થયેલ આ અભિયાનના વધુમાં વધુ કિશોર-કિશોરીઓએ અભિયાન અંતર્ગત કોરોના પ્રતિરોધક રસી મૂકાવી દઇ સુરક્ષિત થવા પામ્‍યા હતા.


અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાની તમામ માધ્‍યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ સહિત જિલ્‍લાના ૨૨૫ સબ સેન્‍ટર અને ૩૫ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જયારે આગામી તા. ૧૦મી જાન્‍યુઆરી પછી જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ સાથે ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓ તેમજ કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓ કે જેઓએ અગાઉ રસીના બંન્ને ડોઝ લીધા હોય તેઓને પણ ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે.

કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોઇ ૧૫ થી ૧૮ વર્ષની વયજુથના કિશોર-કિશોરીઓ અને તા.૧૦/૦૧/૨૦૨૨ પછી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ, ૬૦ વર્ષથી વધારે વયના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને આ રસીનો લાભ લઈને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે શાળાના આચાર્યશ્રીઓ, આરોગ્ય વિભાગના ડૉકટરો, કર્મચારીશ્રીઓ, શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.