Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લાના માળ ગામના પ્રદિપસિંહ પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા

GNA MAHISAGAR – SAGAR ZALA

  • દેશી ગાય આધારીત ખેતી યોજનાઓથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળ્યુ પ્રોત્સાહન
  • મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીની મુહિમને જિલ્લાના ખેડૂતોએ ઉપાડી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધાર્યો
  • પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉત્તમ વિકલ્પ બનીને અમારા જેવા ખેડૂતો માટે ઉભરી રહી છે -પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રદિપસિંહ પુવાર

જીએનએ લુણાવાડાઃ આજે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયુ છે. જમીન, પાણી, હવા વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદૂષણ ફેલાયેલ છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયું છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઇ ગયા છે. વેદોમાં ઋષિઓએ માં ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. માણસ ત્યાં સુધી જીવીત રહી શકશે જ્યાં સુધી ધરતીનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. પ્રાકૃતિક કૃષિ આ દિશામાં કરવામાં આવેલ એક સામૂહિક પ્રયાસ છે આ કૃષિ પધ્ધતિ ગાય પર આધારિત છે જેમાં પાક માટે જરૂરી તમામ પોષકતત્વો પૂરા પડે છે.

આવા જ એક મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રદિપસિંહ પુવારે રાસાયણીક ખેતીથી મુક્ત થઇ પ્રાકૃતિક ખેતી તરફના પરિવર્તન કરી ગૌ સેવાને જીવન મંત્ર બનાવ્યો છે.


કડાણા તાલુકાના જુના માળ ગામના પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રદિપસિંહ પુવારે પોતાના રાસયણીક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફના બદલાવ વિશે પ્રતિભાવ આપતા ત્રણ વર્ષ પહેલાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રેરક ઉદબોધનને સાંભળતા અનુભવ્યું કે પદ્મશ્રી સુભાષ પાલેકરજીની જીરો બજેટ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર પણ ખેતી થઈ શકે છે.

તેના મુખ્ય ચાર પાયા દ્વારા જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિ. ભારતીય દેશી ગાય અને તેના આધારીત ખેતી એ આ ખેત પદ્ધતિનો મુખ્ય આધાર છે. આ ખેતીને અમલમાં મુકવા પોતે ત્રણ દેશી ગાય ખરીદી છે. ગત વર્ષથી આ પદ્ધતિથી ૩૮ ગુંઠા જમીનમાં ડાંગરની દેશી જાત ડી આર કેની ખેતી કરી હતી. તેમાંથી ૧૨૪૦ કિલો ડાંગરનું ઉત્પાદન થયું. તે ડાંગરમાં બીજામૃત જીવામૃત નો ઉપયોગ કર્યો તેથી ઉત્પાદન ખર્ચ નજીવો આવ્યો કારણ કે બધી જ વસ્તુઓ દેશી ગાયના છાણ અને ગૌમુત્ર માંથી જ બને છે તેનો ખર્ચ માત્ર રોપણી અને કાપણીનો જ હતો.તેમા મે ડાંગર ઉત્પાદન પાકનું વેલ્યુએડિશન કરી કુલ આવક રૂપિયા ૪૦,૦૦૦ હજારની મેળવી છે. હાલમાં મારા ખેતરમાં ઘઉં,ચણા,રજકો અને મકાઇના પાકો પ્રાકૃતિક ખેતી દ્રારા કરેલ છે. આમ પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉત્તમ વિકલ્પ બનીને અમારા જેવા ખેડૂતો માટે ઉભરી રહી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું બેક ટુ બેઝીકનુ આહવાન છે તેમનો સંકલ્પ છે કે, ભારતના ખેડૂતોની આવક બે ગણી હોય પ્રાકૃતિક કૃષિમાં આ સંકલ્પ અને સ્વપ્નને સાકાર કરવાની સંપુર્ણ સંભાવનાઓ છે, ત્યારે ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક કૃષિને દેશી ગાય આધારીત ખેતીની યોજનાઓથી આગળ વધારી રહી છે.

જેના ભાગ રૂપે દેશી ગાય નિભાવ પેટે દર માસે રૂા.૯૦૦ મળે છે અને જીવામૃત બનાવવા માટે બેરલ તથા ટબ પણ ખેડૂતને આપ્યા છે. પ્રાકૃતિક કૃષિથી ધરતીમાતા, ગૌમાતા અને પ્રકૃતિને ઝેરી રસાયણથી મુક્ત કરી પ્રકૃતિ પ્રત્યે સાચી કૃતજ્ઞતા પ્રકટ કરી શકાય છે.


પ્રાકૃતિક ખેતીને પોતાના જીવનમાં વણી અન્ય ખેડૂતોને આ ખેતી તરફ પ્રેરવા આસપાસના ગામોના પ્રવાસ કરી પોતાના અનુભવોને તેમના સુધી પહોંચાડે છે.

સાથે સાથે જિલ્લા તથા જિલ્લા બહારના ખેડૂતોને તેમના ખેતર પર પ્રત્યક્ષ નિદર્શન સાથે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા, દશપર્ણી અર્ક વગેરે અંગે માર્ગદર્શન પુરૂ પાડે છે. અવાર નવાર આત્મા પ્રોજેક્ટ તેમજ ખેતીવાડી વિભાગ તેઓને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. આમ મહીસાગર જિલ્લાના પ્રદિપસિંહ પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.