Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન લુણાવાડા ખાતે યોજાયું

  • પશુપાલકોને આદર્શ પશુપાલન અંગે ઉપયોગી માર્ગદર્શન અપાયું.

જીએનએ લુણાવાડા :- ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ, મહીસાગર જિલ્લા પંચાયત – લુણાવાડા તાલુકા પંચાયત પશુપાલન શાખા અને પશુ દવાખાના દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર- કમ પ્રદર્શન પી.એન.પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરના  અધ્યક્ષસ્થાને યોજાયું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના પશુપાલનના અનુભવોને વર્ણવતા પશુપાલકોને પ્રેરક માર્ગદર્શન આપતા રાજ્ય સરકારે પશુપાલનની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પશુપાલકોને પશુઓના સ્વાસ્થ્ય માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવી પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી આદર્શ પશુપાલન કરી આવક વૃધ્ધિ કરવા અપીલ કરી હતી. 


નાયબ પશુપાલન નિયામકશ્રી એમ.જી.ચાવડાએ પશુપાલનના વ્યવસાયમાં પશુઓના સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદનમાં વધારો કરવા તેમજ આવક વૃધ્ધી માટે પશુપાલન વિભાગનું માર્ગદર્શન મેળવવા આ શિબિર ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું.
આ શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.જે.પટેલે ખેડૂત લક્ષી યોજનાઓ, પંચામૃત ડેરીના ડૉ. પી.એન.પટેલ, ડૉ. જે.બી.પટેલ, ડૉ.જે.એમ.પટેલ, ડૉ. કે.એમ.પંડીત, ડૉ. વી.ડી.ગામેતી સહિતના પશુ ચિકિત્સકોએ પશુઓમાં આવતા ઝીનેટીક રોગોની સમજ તથા અટકાવવાના પગલા, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, આદર્શ પશુપાલન અંગે આદર્શ પશુપાલન થકી આવક વૃધ્ધિ, પશુ રસીકરણ, પશુ રોગચાળાનુ નિયંત્રણ અને સારવાર, પાડી વાછરડી ઉછેર, પશુઆહાર અને માવજત, સ્વચ્છતા, દૂધની ગુણવત્તા, પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક, સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. 


છાંયણ ગામના આદર્શ પશુપાલન કરતા પશુપાલકે પોતાની સાફલ્યગાથા વર્ણવી પશુપાલકોને પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જ્યારે પશુચિકિત્સા અધિકારીશ્રી જે.ડી.કંસારાએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ખેત ઉત્પાદક સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી ભાથીભાઇ ડામોર, શ્રી પી.એન.પંડ્યા કોલેજના ટ્રસ્ટીશ્રી હરીભાઇ પટેલ, આચાર્યશ્રી પી.એચ.રાઠોડ, પ્રો. જે.પી.ચૌધરી, અગ્રણીશ્રી અરવિંદભાઇ બારીયા, જિલ્લા-તાલુકા પંચાયત સદસ્ય, પશુપાલન શાખાના કર્મીઓ, વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.