શહીદ દિન-૩૦મી જાન્યુઆરી : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

શહીદ દિન-૩૦મી જાન્યુઆરી : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

GNA MAHISAGAR – SAGAR ZALA

  • ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે
  • શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ


જીએનએ લુણાવાડાઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ને રવિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
રવિવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.
શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.