આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી

GNA MAHISAGAR – SAGAR ZALA

  • દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનીએ
  • મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષા વકીલ
  • મહીસાગર જિલ્‍લાની બાલિકાઓએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણી અંતર્ગત વર્ચ્યુઅલ જોડાઇને
  • પરિસંવાદમાં ભાગ લીધો


જીએનએ લુણાવાડા :: મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું છે કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ જાતિદરને પ્રોત્સાહન આપવુ અત્યંત અનિવાર્ય હોઈ, સમાજના સૌ નાગરિકો આ માટે સંકલ્પબધ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનવા પણ આહવાન કર્યુ હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના વર્ચ્યુઅલ યોજાયેલ કાર્યક્રમમાં મહીસાગર જિલ્‍લાના અધિકારીઓ અને બાલિકાઓએ કલેકટર કચેરી ખાતેના વીડિયો કોન્‍ફરન્‍સમાં હોલમાં હાજર રહી સહભાગી બનીને પરિસંવાદમાં ભાગ લીધો હતો.
દિકરીઓ સાથે સંવાદ કરતા મંત્રી શ્રીમતી વકીલે જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કરીને દેશને નવો રાહ ચીધ્યો હતો અને આજે દેશભરમાં આ અભિયાન ચાલી રહ્યુ છે જે આપણા માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વધુ વેગવાન બનાવીને દિકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે ત્યારે રાજયના નાગરિકો પણ સહભાગી બનીને સક્રિય યોગદાન આપે એ જરૂરી હોવાનું કહ્યું હતું.

મંત્રીશ્રીએ આ અભિયાનનો મુખ્ય હેતુ દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતી ફેલાવવા રાજ્ય તથા જિલ્લા/તાલુકા કક્ષાએ  વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી, જે હવે વર્ષ ૨૦૧૯-૨૦માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે NFHS – ૫ મુજબ વધીને ૯૫૫ થયો છે એ આપણા માટે ગૌરવરૂપ હોવાનું જણાવ્‍યું હતું.

મંત્રીશ્રીએ આ પરિસંવાદમાં કચ્છ જિલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે આ બાલિકા પંચાયતએ કિશોરીઓનું એક મંડળ છે,  જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે, આ મંડળ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત-ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી દરેક ક્ષેત્રે કિશોરીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્‍યું હતું.

મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ –વ- કમિશ્નરશ્રી કે.કે.નિરાલાએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દિકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮ થી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાનું જણાવ્‍યું હતું.

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૦ દિકરીઓ મળી કુલ ૩૬૦ જેટલી દિકરીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને રાજયની દિકરીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજીત કરવા તેમજ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી/સિધ્ધિઓને રાજ્ય સ્તરે બિરદાવવા તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમા બાલિકા પંચાયત માળખું ઉભુ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી વર્ચ્‍યુઅલ માધ્‍યમથી મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક
શ્રીમતી ડૉ.જિન્સી રોય એ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપીને દિકરીઓના જન્મદર પ્રત્યે વધુ જાગૃત થવા અપીલ કરી હતી અને અધિક કમિશ્નર શ્રીમતી સિધ્ધિ પટેલે જયારે લુણાવાડા ખાતે દહેજ પ્રતિબંધ અધિકારી શ્રી પંકજભાઇ પટેલે આભારવિધિ કરી હતી.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં લુણાવાડા ખાતે વર્ચ્‍યુઅલ માધ્‍યમથી દહેજ પ્રતિબંધ અધિકારી શ્રી પંકજ પટેલ, ફિલ્‍ડ ઓફિસર શ્રી રજનીશ પટેલ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સંચાલકશ્રી, સ્‍પેશિયલ શિક્ષક શ્રી રમેશભાઇ સોલંકી, દિવ્‍યાંગ રમતવીર કુ. રાધાબેન મછાર અને કુ. હીનાબેન ઠાકોર તેમજ વિવિધ ક્ષેત્રે સિધ્‍ધિ હાંસલ કરનાર બાલિકાઓ સહિત અધિકારીઓ-કમર્ચારીઓએ ઉપસ્‍થિત રહીને પરિસંવાદમાં ભાગ લઇ રાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે હું મારા પરિવાર અને સમાજમાં દીકરીના જન્‍મને આવકારીશ. હું હંમેશા સ્‍ત્રી શકિતનું આદર-સન્‍માન કરીશ અને તેઓ આત્‍મનિર્ભર બને તે માટે પૂરતા પ્રયત્‍નો કરીશ તેમજ દીકરીના શિક્ષણ અને સલામતીને સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.