Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લામાં કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

GNA MAHISAGAR -SAGAR ZALA

  • મહિસાગર જિલ્લામાં સ્માર્ટફોન સહાય કાર્યક્રમ અંતર્ગત ૧૭૨ ખેડૂતોને રૂ.૯.૭૫ લાખના સહાય હુકમો વિતરણ કરવામાં આવ્યા
  • સ્માર્ટફોનના માધ્યમથી ખેડુતો સરકારશ્રીની સહાય યોજનાઓમાં ઓનલાઈન અરજી- હવામાનનું પૂર્વાનુમાન- APMC ના ભાવો- અદ્યતન વૈજ્ઞાનિક ખેત પદ્ધતિની જાણકારી મેળવી શકશે-જિલ્લા કલેકટરશ્રી ર્ડો.મનીષકુમાર

લુણાવાડા :ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડા ખાતે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ર્ડો.મનીષકુમાર ની અધ્યક્ષતામાં અને લુણાવાડા ધારાસભ્યશ્રી જીગનેશભાઇ સેવકની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કલેકટર કચેરી લુણાવાડા ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ધરતીપુત્રોને પ્રેરક ઉદબોધન કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે. ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવ સહિતની કૃષિવિષયક પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના વધુને વધુ ઉપયોગથી ઝીરો બજેટ-રસાયણમુકત ખેતી તરફ વળવા પણ આહવાન કર્યુ હતું.
જિલ્લા કલેકટરશ્રી ર્ડો.મનીષકુમારે જણાવ્યું હતું કે, ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ ખેતી વિષયક કામગીરી માટે કરશે તેના થી સ્માર્ટફોનના માધ્યમથી ખેડુતો સરકારશ્રીની સહાય યોજનાઓમાં ઓનલાઈન અરજી, હવામાનનું પૂર્વાનુમાન, APMC ના ભાવોની જાણકારી, અદ્યતન વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓની જાણકારી જેવા હેતુઓ સાથે સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે સૌ પ્રથમ વાર આ સહાય અમલમાં મુકવામાં આવેલ છે.
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય કાર્યક્રમ અન્વયે મહિસાગર જિલ્લાના ૧૭૨ ખેડૂતોને રૂ.૯.૭૫ લાખના સહાય હુકમો વિતરણ કરવામાં આવ્યા
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુમિત પટેલ, તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સહિત લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.