Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

રાજય સરકારની સ્‍વરોજગારી યોજના હેઠળ ૧ર દૂધાળા પશુ યોજનાનો લાભ લેવાની અપીલ કરતાં પશુપાલક શ્રીમતી જાગૃતિબેન પટેલ

  • રાજય સરકારની દૂધાળાં પશુ યોજનાના લાભથી વાર્ષિક રૂા. રર લાખના દૂધનું વેચાણ કરી
  • વાર્ષિક રૂા. સાત લાખનો નફો મળે છે – પશુપાલક પટેલ જાગૃતિબેન હસમુખભાઇ

લુણાવાડા :: શું તમે માની શકો કે પશુપાલનના વ્‍યવસાયમાંથી એક મહિલા વાર્ષિક રૂા. રર લાખનું દૂધ વેચાણ કરી વાર્ષિક રૂા. સાત (૭) લાખનો નફો રળીને પોતાના કુટુંબનું જીવનધોરણ ઉંચું લાવવાની સાથે સમાજના તમામ વ્‍યવહારો સારી રીતે નિભાવી રહી છે.
હા, આ વાત સાચી છે. અહીં વાત કરવી છે મહીસાગર જિલ્‍લાના લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામના પશુપાલક શ્રીમતી જાગૃતિબેન હસમુખભાઇ પટેલની.
મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતે રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમારની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલ જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળામાં ઉપસ્‍થિત પ્રગતિશીલ પશુપાલક શ્રીમતી પટેલ જાગૃતિબેન હસમુખભાઇએ તેમની પ્રગતિની ગાથા વર્ણવતાં કહ્યું હતું કે, ખેતી સાથે પશુપાલન પણ સંકળાયેલ છે. જેથી હું છેલ્‍લા ૧૦ વર્ષથી પશુપાલન વ્‍યવસાય સાથે સંકળાયેલી છે. જયારે મેં પશુપાલન શરૂ કર્યું ત્‍યારે મારી પાસે બે – ત્રણ ગાયો હતી, પરંતુ તેનાથી કંઇ ગુજરાન થાય નહીં, વ્‍યવહાર કેમ થઇ શકે તેની મને ચિંતા રહેતી હતી.
હું આ ચિંતા કરતી હતી તે દરમિયાન મને સરકારની સ્‍વરોજગારી હેઠળ ૧ર દૂધાળા પશુ યોજનાની જાણકારી મળતાં મેં આ યોજનાનો લાભ લેવા અરજી કરતાં મારી આ અરજી મંજૂર થતાં મને આ યોજના હેઠળ રૂા. ૧.૯ર લાખની સહાય મળતાં આ સહાયથી તબેલો બાંધવાની સાથે ચાપ કટર, મિલ્‍કીંગ મશીન જેવા સાધનો વસાવ્‍યા. સરકારની આ સહાયથી આજે મારી પાસે ર૦ થી ર૧ ગાયો છે આ ગાયોના લાલન-પાલન માટે મેં ર૪ કલાક પાણીની વ્‍યવસ્‍થા સાથે ગરમીમાં ગાયોને રક્ષણ મળી રહે તે માટેની પણ વ્‍યવસ્‍થા કરી છે.
હું રોજ સવારે અને સાંજે ગાયોના લાલન-પાલન પાછળ ત્રણ-ત્રણ કલાક ફાળવું છું. અને મિલ્‍કીંગ મશીનથી દૂધ લઇ રહી છું તેટલું જ નહીં મને પોતાને સંગીતનો શોખ હોવાથી હું મારી ગાયોને પણ સંગીત સંભળાવી રહી છું. આ સંગીતના કારણે મને ગાયોની માવજત કરવામાં પણ સારૂં રહે છે. ગાયો પણ શાંતિથી સંગીત સાંભળે છે, મારી આ ગાયોની વધુ સારી રીતે સારસંભાળ રાખી શકાય તે માટે મેં બે કર્મચારીઓ પણ રાખ્‍યા છે તેમ જણાવી વધુમાં કહે છે કે, સરકારી-અર્ધસરકારી કે ખાનગી નોકરી કરતાં હોય તેઓને મહિને એક વાર પગાર મળે છે, પણ મને તો દર દસ-દસ દિવસે એટલે કે મહિનામાં ત્રણ વાર પગાર મળે છે જેથી હું મારા બાળકોને સારૂં શિક્ષણ અપાવી શકવાની સાથે ઘર કે વ્‍યવહાર પણ વધુ સારી રીતે કરી શકું છું.
શ્રીમતી પટેલે પોતાની સફળતા વર્ણવતા જણાવ્‍યું કે, આજે હું રોજનું ર૦૦ લીટર દૂધનું ઉત્‍પાદન કરીને વર્ષે રર લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને વાર્ષિક સાત લાખ રૂપિયાનો નફો રળી રહી છું ત્‍યારે મારે બહેનોને કહેવું છે કે, જેમ મેં આર્થિક રીતે સધ્‍ધરતા પ્રાપ્‍ત કરી છે તેમ તમે પણ રાજય સરકારની આવી યોજનાનો લાભ લો. તેમણે વધુમાં પોતાનું ગામ ૩૦ થી ૩પ ઘરની વસતિ ધરાવે છે તેમાંથી ૧૦ બહેનોએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે તેમ જણાવી પશુપાલનનો વ્‍યવસાય સારો હોઇ તેમાં ભાગ લેવા જણાવ્‍યું હતું.